મુંબઈ કેન્દ્ર વિષે

કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયાનું મુંબઈ કેન્દ્ર મલાબાર હિલ ખાતે હિંમત નિવાસમાં ૧૯૮૭માં સ્થાપવામાં આવ્યું હતું અને તેની પ્રવૃત્તિઓ તે જ સ્થાનેથી ચાલુ રહી છે. કૃષ્ણમૂર્તિ મુંબઈમાં હોય ત્યારે નાનાં જૂથો સાથેની સંવાદસભાઓ હિંમત નિવાસ ખાતે ગોઠવતા.

પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો

કૃષ્ણમૂર્તિનાં પુસ્તકો, પ્રવચનો, લખાણો, સંવાદો અને ચર્ચાઓની ઑડિઓ અને વિડિઓ રૂપે પ્રકાશિત સંપૂર્ણ શ્રેણી મુંબઈ કેન્દ્રમાંના નાના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. પુસ્તકો વેચાણ માટે પણ ઉપલબ્ધ છે.

કેન્દ્ર ખાતે કૃષ્ણમૂર્તિનાં પ્રવચનોનાં વિડિઓ સ્ક્રીનીંગ્ઝ દર શનિવારે અને રવિવારે ગોઠવવામાં આવે છે તથા દર મહિનાના ત્રીજા ગુરુવારે એક સંવાદસભાનું આયોજન કરવામાં આવે છે. દરેક મહિનાના છેલ્લા સોમવારે ધરીટ્રીટ હાઉસ, બાંદ્રા (પશ્ચિમ) ખાતે વિડિઓ સ્ક્રીનીંગ્ઝ અને ત્યાર બાદ પરસ્પર વાતચીતની ગોઠવણ કરવામાં આવે છે.

વર્તમાન જીવનના સંદર્ભમાં કૃષ્ણમૂર્તિના વિચારો, તેમના બોધની પર્યેષણા કરી રહ્યા હોય, સમજી રહ્યા હોય તેવા જાણીતા વિચારકોને જાહેર આદાનપ્રદાન માટે શહેરમાં આમંત્રણ આપવામાં આવે છે. જીવનમાં સતત ચાલતી શોધ તરીકે વિવિધ વિષયો ઉપર જાહેર પરિસંવાદો યોજવામાં આવે છે. મોટી વયના વિદ્યાર્થીઓ અને શિક્ષણકારો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પરિસંવાદો, પુસ્તક વાંચન, ચર્ચાઓ અને વિડિઓ સ્ક્રીનીંગ્ઝનું આયોજન કરવામાં આવે છે.
એક પુસ્તકદાન યોજના હેઠળ,વિવિધ પુસ્તકાલયોને વિનંતી અનુસાર પુસ્તકો અને ડીવીડી આપવામાં આવે છે. કેન્દ્ર પુસ્તકમેળાઓમાં પણ ભાગ લે છે.

ઘણા બધા લોકો માટે કૃષ્ણમૂર્તિના ઉપદેશને સમજવાની શરૂઆત કરવાનો કોઈ રસ્તો નથી કારણ કે તેમનું સંપૂર્ણ મૂળ સાહિત્ય અંગ્રેજીમાં છે. તેથી, ઉપદેશને પ્રાદેશિક વાચકો સુધી પહોંચાડવાના હેતુસર, કેન્દ્ર નીચેનાં ક્ષેત્રોમાં કૃતિઓના અનુવાદ તથા પ્રકાશન સાથે સંકળાયેલું છે: 
- પુસ્તકોના મરાઠી અને ગુજરાતી અનુવાદોનું પ્રકાશન
- મરાઠી અને ગુજરાતીમાં વૃત્તપત્રિકાનું પ્રકાશન
- વિડિઓ પ્રવચનો અને સંવાદોનું મરાઠી અને ગુજરાતીમાં સબટાઈટલિંગ તથા ડબિંગ
- પ્રજ્ઞાચક્ષુઓ તથા દૃષ્ટિ વિકલાંગોના લાભાર્થે બ્રેઇલમાં, પુસ્તકોનું પ્રકાશન તેમ જ મરાઠી, ગુજરાતી અને હિન્દીમાં ઑડિઓ પુસ્તકોનું પ્રકાશન