કૃષ્ણમૂર્તિ શિક્ષણ કેન્દ્રો

ઉચિત શિક્ષણ પામવા માટે આપણે દેખીતી રીતે જ જીવનનો સમગ્રતાથી અર્થ સમજવો પડે અને તે માટે આપણા વિચારોમાં જડતા નહીં પણ સીધી રીતે અને વાસ્તવિકપણે વિચારવા માટે આપણે સક્ષમ થવું પડે. (પોતાના વિચારોમાં) દૃઢ (જડ)ચિંતક એ અવિચારી માણસ છે, કારણ કે તે એક ઢાંચાનું પાલન કરે છે, એકના એક શબ્દસમૂહો ફરીફરી બોલ્યા કરે છે, અને એક ઘરેડ કે લઢણમાં જ વિચારે છે. આપણે અસ્તિત્વને તાત્ત્વિક કે સૈદ્ધાંતિક રીતે સમજી શકીએ નહીં. જીવનને સમજવું એટલે આપણી જાતને સમજવી, અને તે જ શિક્ષણનો આરંભ અને અંત બંને છે.
જે. કૃષ્ણમૂર્તિ, શિક્ષણ અને જીવન રહસ્ય
કૃષ્ણમૂર્તિ માટે શિક્ષણ એ હમેંશ એક મુખ્ય ચિંતાનો વિષય રહ્યો છે. તેમને લાગતું કે જાતિ, રાષ્ટ્ર, ધર્મ, પરંપરા અને અભિપ્રાયના સંસ્કારો કે જે અનિવાર્યપણે સંઘર્ષ ભણી દોરે છે તેમના પ્રત્યે માત્ર જો યુવાનો અને વૃદ્ધોને જાગૃત કરવામાં આવે, તો કદાચ તેઓ પોતાનાં જીવનમાં સંપૂર્ણપણે વિશિષ્ટ ગુણવત્તા લાવી શકે.

શિક્ષણ કેન્દ્રોની સ્થાપનામાં તેમની ચિતાને અભિવ્યક્તિ મળી - યુવાનો માટે શાળાઓ તથા પુખ્તો માટે અભ્યાસ કેન્દ્રો અને શિબિરો. હાલમાં ઋષિ વૅલી શિક્ષણ કેન્દ્ર (આંધ્ર પ્રદેશમાં મદનપલ્લી પાસે), વારાણસીમાં રાજઘાટ શિક્ષણ કેન્દ્ર, ચેન્નાઈમાં કે.એફ.આઈ.- દ સ્કૂલ, ચેન્નાઈની બાજુમાં પાલાર શિક્ષણ કેન્દ્ર (પાઠશાળા),બેંગલુરુ શિક્ષણ કેન્દ્ર, અને પૂના પાસે સહ્યાદ્રી શિક્ષણ કેન્દ્રકાર્યરત છે. ભારતની બહાર બ્રોકવૂડ પાર્ક, હૅમ્પશાયર, ઇંગ્લેન્ડ ખાતે કૃષ્ણમૂર્તિ શિક્ષણ કેન્દ્ર તથા ઓહાઇ, કેલિફોર્નિયા ખાતે ઓક ગ્રોવ સ્કૂલ છે. આત્માની શ્રેષ્ઠતાના સંવર્ધન તથા જીવન માટે ઊંડા પ્રેમ પ્રત્યે સમર્પિત કૃષ્ણમૂર્તિ શિક્ષણ કેન્દ્રો, શાળા જીવનનાં શૈક્ષણિક તેમ જ અન્ય ઘણાં બધાં પાસાંઓને સમૃદ્ધ બનાવવા માટે ખાસ કાળજી રાખે છે.

શાળાનાં બાળકો સાથે કૃષ્ણમૂર્તિ જ્યારે વાત કરતા ત્યારે તેઓની ભાષા સ્પષ્ટ અને સુગમ રહેતી. બાળકોના પ્રકૃતિ સાથેના અને એકબીજા સાથેના સંબંધો તથા ભય, અધિકાર, સ્પર્ધા, પ્રેમ અને મુક્તિ જેવી માનસિક સમસ્યાઓને તેઓ બાળકો સાથે રહીને તપાસતા. શિક્ષકો સાથે મળીને કૃષ્ણમૂર્તિએ શાળાના વ્યુત્પત્તિશાસ્ત્ર મુજબના અર્થને નવા પરિમાણો આપીને ‘એક નિરાંતના સ્થળ’ તરીકે પુનર્જીવિત કર્યો, એક એવું સ્થળ કે જ્યાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથોસાથ શિક્ષક અને વિદ્યાર્થી પાસે પોતાની જાતની અંદર જોવાનો સમય હોય. કૃષ્ણમૂર્તિના મતે શાળાઓમાં મુક્તિ અને જવાબદારીભર્યા વાતાવરણમાં અસ્તિત્વને લગતા અગત્યના મુદ્દાઓનું નિરીક્ષણ અને ઊંડી તપાસ થઈ શકેએવું વાતાવરણ હોવું જોઈએ.

વૈશ્વિક દૃષ્ટિબિન્દુનો, આંતરિક નિરીક્ષણ-શોધ માટેના મિજાજનો અને માનવી તેમ જ પર્યાવરણ સાથેની નિસબતનો વિકાસ કરવો આ બાબતો કૃષ્ણમૂર્તિ શિક્ષણ કેન્દ્રોના ઉદ્દેશોનું અભિન્ન અંગ રહી છે.
શિક્ષણે આપણને શાશ્વત મૂલ્યોની શોધ કરવામાં મદદ કરવી જોઈએ, જેથી આપણે માત્ર સૂત્રોને કે ફરી ફરીને દોહરાવાતાં શબ્દપ્રયોગોને વળગી ન રહીએ; માનવ અને માનવ વચ્ચે વૈમનસ્ય જન્માવતાં રાષ્ટ્રીય અને સામાજિક અવરોધો પર ભાર મૂકવાને બદલે તેમને તોડવામાં શિક્ષણે આપણને મદદ કરવી જોઈએ. દુર્ભાગ્યવશ, શિક્ષણની તત્કાલીન પદ્ધતિ આપણને હાજી હા કરનારા, યાંત્રિક અને અત્યંત બેદરકાર (અસંવેદનશીલ) બનાવે છે; જો કે તે આપણી વિચારશક્તિને જાગૃત કરે છે, પરંતુ આંતરિક રીતે આપણને અધૂરા, કુંઠિત અને બિનસર્જનાત્મક રાખે છે.

જીવનની સુગ્રથિત સમજ વિના, આપણી વૈયક્તિક તેમ જ સામૂહિક સમસ્યાઓ અધિક ઊંડી થશે અને વિસ્તરશે. શિક્ષણનો ઉદ્દેશ માત્ર વિદ્વાનો, તંત્રજ્ઞો અને નોકરી શોધનારાઓનું ઉત્પાદન કરવાનો જ નથી, પરંતુ સુગ્રથિત પુરુષો અને સ્ત્રીઓનું નિર્માણ કરવાનો છે, જેઓ ભયરહિત હોય; કેમ કે માત્ર આવા માનવી વચ્ચે જ શાશ્વત શાંતિ સંભવી શકે.
જે. કૃષ્ણમૂર્તિ, શિક્ષણ અને જીવન રહસ્ય