કૃષ્ણમૂર્તિ સંસ્થાઓ–વિહંગાવલોકન

ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ અને લેટિન અમેરિકામાં આવેલી કૃષ્ણમૂર્તિની ચાર સંસ્થાઓ કૃષ્ણમૂર્તિનાં જાહેર પ્રવચનો અંગેની વ્યવસ્થા કરવા માટે સ્થાપવામાં આવી હતી. આજે આ સંસ્થાઓએ શાળાઓ, અભ્યાસકેન્દ્રો અને શિબિરો ચલાવવાનું તથા કૃષ્ણમૂર્તિના બોધની જાળવણી કરવાનું અને ભાવિ પેઢીઓ માટે બોધનું પ્રકાશન કરવાનું ચાલુ રાખ્યું છે.

સ્થાપક તરીકે કૃષ્ણમૂર્તિએ આ સંસ્થાઓનાં ઉદ્દેશ, જવાબદારી તથા બિનસાંપ્રદાયિક સ્વરૂપની સ્પષ્ટ વ્યાખ્યા કરી હતી: 'બોધની બાબતમાં આ સંસ્થાઓનોકશો જ અધિકાર નથી. સત્ય તો એ બોધની અંદર જ રહેલું છે. સંસ્થાઓ એ બાબતનું ધ્યાન રાખશે કેજરા પણ વિકૃત કે ભ્રષ્ટ કર્યા વગર બોધ પૂર્ણ રૂપમાં રાખવામાં આવે. બોધના પ્રચારકો અથવા અર્થઘટન કરનારાઓને બહાર મોકલવાનો આ સંસ્થાઓ પાસે અધિકાર નથી.'

કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયા (કે.એફ.આઈ.), કે જેનું મુખ્ય મથક વસંત વિહાર, ચેન્નાઇમાં છે, તેની સ્થાપના કૃષ્ણમૂર્તિ, ડોક્ટર એની બેસન્ટ અને પાંચ અન્ય સ્થાપક સભ્યોએ 'ઋષિ વેલી ટ્રસ્ટ' નામે એક ધર્માદા સંસ્થા તરીકે કરી હતી. ૧૯પ3માં તેનું નામ બદલીને 'ફાઉન્ડેશન ફોર ન્યૂ ઍજ્યુકેશન' કરવામાં આવ્યું અને ત્યાર બાદ ૧૯૭૦માં 'કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયા' કરવામાં આવ્યું. ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ કૃષ્ણમૂર્તિના બોધને અનુલક્ષીને શિક્ષણ, સંશોધન અને સંસ્કૃતિ, માનવકલ્યાણ તથા પર્યાવરણવિષયક કાર્યક્રમો જેવા બહુવિધ ક્ષેત્રોને આવરી લે છે. તે ઉપરાંત, કૃષ્ણમૂર્તિની કૃતિઓ તેમ જ તેમના જીવન સાથે સંકળાયેલી વસ્તુઓની પ્રાપ્તિ, જાળવણી અને પ્રકાશન કે.એફ.આઈ.નાં અન્ય મુખ્ય ધ્યેય છે.

વસંત વિહાર,કે જેકે.એફ.આઈ.નું મુખ્ય મથક છે ત્યાં કૃષ્ણમૂર્તિ દર વર્ષે ચેન્નાઇ આવે ત્યારે રહેતા અને તેમનાં લોકપ્રવચનો અને સંવાદોનું સ્થળ પણ એ જ રહેતું.. આજે અહીં અભ્યાસખંડ, આર્કાઇવ્ઝ, પ્રકાશન વિભાગ, દૃશ્ય-શ્રાવ્ય વિભાગ, પુસ્તક તેમ જ એમપી3 અને ડીવીડીની દુકાન તથા એક મહેમાનગૃહ છે. અભ્યાસખંડમાં કૃષ્ણમૂર્તિની સમગ્ર કૃતિઓ, જીવનચરિત્રો તથા સંસ્મરણો છે, જેમાં ઑડિઓ સીડી, ડીવીડી અને એમપી3નો બહોળો સંગ્રહ તથાનિબંધો, ધર્મ, તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિષયો ઉપરનાં પુસ્તકો છે, તેમ જ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનનાં પત્રિકાઓ તથા વૃત્તપત્રિકાઓ વગેરે પણ છે.
રાજઘાટ (વારાણસી), ઉત્તરકાશી, સહ્યાદ્રી, બેંગલુરુ, ઋષિ વૅલી, કલકત્તા, મુંબઈ અને કટકમાં અભ્યાસકેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે. આમાંની ઘણીબધી જગ્યાઓ અસાધારણ પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિથી સભર છે તથા આત્મ નિરીક્ષણ તેમ જ કૃષ્ણમૂર્તિના બોધના અભ્યાસ માટે અત્યંત સાનુકૂળ છે. આ કેન્દ્રો આખા વર્ષ દરમ્યાન અનેક શાળાઓ, કૉલેજો અને જનસાધારણ સાથે કાર્યક્રમો અને સંવાદો થકી સંપર્કમાં રહે છે.

કૃષ્ણમૂર્તિના મતે શાળાઓ એક એવું સામાજિક વાતાવરણ પૂરું પાડે છે કે જયાં મુક્તિ અને જવાબદારીભર્યા વાતાવરણમાં અસ્તિત્વને લગતા અગત્યના મુદ્દાઓનું નિરીક્ષણ અને ઊંડી તપાસ થઇ શકે. ભારતભરમાં કે.એફ.આઈ.ની છ શાળાઓ રાજઘાટ (વારાણસી), ઋષિ વૅલી , બેંગલુરુ, ચેન્નાઇની નજીક અને સહ્યાદ્રીમાં ફેલાયેલી છે; આ શાળાઓ કૃષ્ણમૂર્તિના શિક્ષણ વિશેના દર્શનની મદદથી બાળકોને ભણાવવામાં કાર્યરત છે. આ વર્ષો દરમ્યાન આ શાળાઓ શિક્ષણ કેન્દ્રોમાં વિકાસ પામી છે, જે પોતાની આજુબાજુના સમુદાયો સાથે સામાજિક જવાબદારીપૂર્વકનો સંપર્ક પણ જાળવે છે.

કૃષ્ણમૂર્તિના જીવનકાળ બાદ ચેન્નાઈના આર્કાઇવ્ઝ વિભાગ દ્વારા બોધને ભાવિ પેઢી માટે જાળવવાની યોજના શરૂ કરવામાં આવી છે.

દરેક વર્ષે શિયાળાની શરૂઆતમાં ફાઉન્ડેશન કોઈ પણ એક કેન્દ્ર ખાતે વાર્ષિક સંમેલન યોજે છે. સંમેલન સૌને માટે ખુલ્લું હોય છે, અને કાર્યક્રમમાં પ્રવચનો, સંવાદો અને વિડિઓ સ્ક્રીનીંગ્ઝનો સમાવેશ થાય છે. સંમેલન અંગેની જાહેરાત કે.એફ.આઈ. ની વેબસાઈટ, વૃત્તપત્રો , પત્રિકાઓ, અને સભ્યોઇ-મેઇલની યાદી દ્વારા કરવામાં આવે છે.

અમેરિકા અને ઇંગ્લેંડમાં પણ અભ્યાસ કેન્દ્રો અને શાળાઓ આવેલી છે, જે ત્યાંની કૃષ્ણમૂર્તિ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. યુ.એસ.એ. અને યુ.કે.માં પણ આર્કાઇવ્ઝ સ્થપાયેલાં છે.