લોકો સુધિ પહોંચ

વિવિધ કૃષ્ણમૂર્તિ શિક્ષણ કેન્દ્રો પોતાની આજુબાજુના સમુદાયો અને પર્યાવરણ સાથે સામાજિક જવાબદારીપૂર્વકનો સંપર્ક જાળવે છે.

કલકત્તા તથા મુંબઈમાં આવેલાં નાનાં કેન્દ્રો શહેરોમાં કૃષ્ણમૂર્તિનાં જાહેર પ્રવચનોનાં વિડિઓ સ્ક્રીનીંગ્ઝનું અને સંવાદોનું આયોજન કરેછે.કૃષ્ણમૂર્તિનું જીવન માટેના શિક્ષણ અંગેનું જે દર્શન હતું, તેને અનુલક્ષીને શિક્ષકો માટે શિક્ષણ વિષેના પરિસંવાદો યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાધ્યાપકો તેમ જ વરીષ્ઠ વિદ્યાર્થીઓ માટે પ્રવચનો, પુસ્તક વાચન અને સંવાદોના મેળાવડાઓ યોજવામાં આવે છે. કેન્દ્રો પુસ્તક પ્રદર્શનોમાં ભાગ લે છે. વિદ્યાર્થીઓના ઉત્સવો દરમ્યાન વિડિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે.
ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો સુધિ પહોંચ
કૃષ્ણમૂર્તિને ગરીબો પ્રત્યે ઊંડી કરુણા હતી અને તેથી તેમણે પોતાના મિત્ર તેમ જ સમાજવાદી અચ્યુત પટવર્ધનને વારાણસીમાં રાજઘાટ અને તેની આજુબાજુનાં ગામડાંઓ સાથે કામ કરવા માટે આમંત્રણ આપ્યું. પાછલાં ૬0 વર્ષોમાં રાજઘાટ શિક્ષણ કેન્દ્રની આ પહેલ આજુબાજુના સમુદાયોને તેમની સમસ્યાઓ શિક્ષણ, આરોગ્યસંભાળ અને નારી ઉધ્ધારનાં ક્ષેત્રો દ્વારા હલ કરવામાં સક્ષમ બનાવવા સુધી વિકાસ પામી છે. તેનું મૂળ લક્ષ્ય છે નજીકનાં ગામોનાં લોકો સાથે પરસ્પર આદર અને કદરની ભાવના ઉપર આધારિત સુસંગત સંબંધ વિકસાવવો.

ઋષિવૅલી શિક્ષણ કેન્દ્ર નીચલા વિસ્તારમાં આવેલું છે, અને તેથી તે ત્યાંનાં લોકો માટે શિક્ષણ થકી નવજીવનના લાંબા ગાળાના કાર્યક્રમનો પડકાર લાવ્યું છે. આ કાર્યક્રમે ત્યાંનાં લોકોને તેમની જમીનની સંભાળ રાખવાના પ્રયત્નોમાં માર્ગદર્શન આપવાનું, પ્રૌદ્યોગિક સાધનોને પાડોશીઓ સાથે વહેંચવાનું અને પોતાનાં ગામોની આજુબાજુ લીલોતરીવાળી જગ્યાઓ ઊભી કરવામાં મદદ કરવાનું કામ કર્યું છે. છેલ્લા ત્રણ દસકાઓમાં ઋષિવૅલી શિક્ષણ કેન્દ્રે ગ્રામીણ શિક્ષણ, ગ્રામીણ આરોગ્ય, પુનર્વનીકરણ, જૈવિક વૈવિધ્યની જાળવણી અને જળવિભાજનની નિયંત્રણવ્યવસ્થાનાં કામો દ્વારા સ્થાનિક ગામોનાં રહેવાસીઓ સાથે મજબૂત સંબંધ બનાવ્યા છે. હવે ત્યાં ૧૫ સેટેલાઇટ શાળાઓ છે, શિક્ષકને તાલીમ આપવાની સુવિધા, અભ્યાસક્રમો ઘડવાનું એકમ 'રિવર', આરોગ્ય અને સ્વચ્છતા માટેના કાર્યક્રમો અને એક ઔષધીવન છે.

પાછલાં ઘણાં વર્ષો દરમ્યાન બેંગલુરુ શિક્ષણ કેન્દ્રે પ્રસારની ઘણી પ્રવૃત્તિઓની પહેલ કરી છે તેમ જ તેમને સશક્ત રીતે ટકાવી રાખી છે, જે શાળાકીય રાબેતા મુજબની પ્રવૃત્તિઓ કરતાં ઘણી આગળ જાય છે. તેમાં અભિનય કળા, દૃશ્ય કળા અને હુન્નરકામમાં રસ ધરાવતા લોકો માટે શિબિર ગોઠવવાનો સમાવેશ થાય છે. દેશના જુદાજુદા ભાગોમાંથી કળાકારીગરો અને હુન્નરકામના કસબીઓને ઘણી વાર આમંત્રણ આપી બોલાવવામાં આવે છે. બીજી શાળાઓનાં વિદ્યાર્થીઓ અને આજુબાજુનાં ગામોનાં વિદ્યાર્થીઓ અવારનવાર આ કાર્યક્રમોમાં ભાગ લે છે.
બેંગલુરુ કેન્દ્રે કાઈગલ એન્વાયરન્મેન્ટ ઍન્ડ ઍજ્યુકેશન પ્રોગ્રામ (કાઈગલ પર્યાવરણ અને શિક્ષણ પ્રોગ્રામ) (કીપ)ની પણ રચના કરી છે. લોકો પોતાના પર્યાવરણ સાથે કેવો સંબંધ ધરાવે છે તેનું નિરીક્ષણ કરવાનો અને સમજવાનો આ એક પ્રયત્ન છે. પાલ્માનેર ઘાટમાંની કૈગલ ખીણમાં આ આવેલું છે, જે આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત છે. વન-પર્યાવરણના સંરક્ષણમાટે કીપ દ્વારા શરૂ કરાયેલી યોજનાના કાર્યનો વિસ્તાર વ્યાપક બન્યો છે અને તે જીવપરિસ્થિતિવિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રોમાં સંશોધન કરે છે, તે પ્રમુખ સંશોધન સંસ્થાઓ સાથે જોડાયેલી છે, આદિવાસીઓનાં બાળકોને શિક્ષણ પૂરું પાડે છે અને આદિવાસીઓના સમુદાયો માટે રોજગારની તકો ઊભી કરે છે. આદિવાસી સમુદાયોનાં બાળકોનું શિક્ષણ તથા આદિવાસીઓના રોજગાર - આ બે બાબતોએ આ સમુદાયના મોટા વર્ગને અને બાળકોને આત્મસમ્માન અને આત્મવિશ્વાસની ભાવના પૂરી પાડી છે, જે તેઓને સમાજમાં કાર્ય કરવામાં મદદરૂપ બને છે.

સહ્યાદ્રી શિક્ષણ કેન્દ્રે ગ્રામીણ પ્રસાર અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રોમાં ઝુકાવ્યું છે. આમાં પરંપરાગત બીજનાં સંરક્ષણનો અને આસપાસના ગામમાં તેમ જ આદિવાસી સમુદાયમાં ધુમાડારહિત ચૂલા લગાડવાનો સમાવેશ થાય છે. પર્યાવરણ અને સંરક્ષણના ક્ષેત્રના નિષ્ણાતો સાથે નિયમિત વાતચીત કરીને તેઓની પાસેથી શીખવામાં આવે છે, સાથે જ સમુદાયના પરિપ્રેક્ષ્યને સમજવામાં આવે છે.