કૃષ્ણમૂર્તિ અભ્યાસ કેન્દ્રો

આ શીખવાની અને આંતરિક શિસ્ત તથા કાર્ય સહીત સાદાઈથી જીવવાની જગ્યા છે, કોઈ ગુરુ કે માર્ગદર્શક વિના અને ધ્યાનની કે કાર્યની કોઈ પદ્ધતિ વિના.

એવા અનેક લોકો છે, જેમને રોજગારના વિક્ષેપને લીધે, કુટુંબ અથવા તેમનાં જીવનના અન્ય પરિબળોને લીધે બોધમાં પૂરેપૂરા લીન થવું મુશ્કેલ જણાય છે. તેથી, દરેક જણ આ જગ્યાએ પોતાની મેળે આવે છે, જો તેની ઇચ્છા હોય તો ધ્યાન કરવા માટે, બોધનો અભ્યાસ કરવા માટે, અને જો તેની ઇચ્છા હોય તો શારીરિક કામ કરવા માટે.

આ રીતે આ જગ્યા મુખ્યત્વે એવા લોકો માટે છે જેઓ અહીં સૌની સાથે મળીને કામ કરવાના જુસ્સા સાથે આવવા માગે છે. સૌની સાથે મળીને કામ કરવાના જુસ્સાનો અર્થ એવો નથી કે કોઈ ઉદ્દેશ, આદર્શ કે અધિકાર ખાતર સાથે મળીને કાર્ય કરવું. પરંતુ એવો છે કે જયારે કોઈ શારીરિક કામ કરતું હોય, અને કદાચ તેનામાં કોઈ ઊંડી સમજનો ઝબકારો થાય, જે વિષે કદાચ તે બીજા સાથે વાત કરે; કદાચ બીજા લોકો એને પ્રશ્ન પૂછે, એના કહેવા ઉપર સંદેહ કરે, પરંતુ તેમના બન્નેમાં વહેંચાતી ઊંડી સમજ કોઈ એક કે બીજાની નથી.

સમજશક્તિ ક્યારેય વ્યક્તિગત નથી હોતી. આવું આદાનપ્રદાન એ સહકાર છે.
જે. કૃષ્ણમૂર્તિ, ઋષિ ખીણ, ૨૪ ડિસેમ્બર ૧૯૮૩
પોતાના મૃત્યુનાં ઘણાં વર્ષો પૂર્વે કૃષ્ણમૂર્તિએ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે શાળાઓમાં નવયુવાનોને જે કાંઈ કરાવવામાં આવી રહ્યું હતું તેનાથી આગળ વધીને કશુંક કરવાની શક્યતા વિષે વાત કરી હતી. તેઓ એવા કેન્દ્રો બનાવવા માગતા હતા જ્યાં પુસ્તકો, વિડિઓ અને ઓડીઓ ટેઇપ્સ હોય,અને અભ્યાસ તેમ જ પરામર્શ માટે અનુકૂળ વાતાવરણ હોય.

અભ્યાસ કેન્દ્રો રાજઘાટ (વારાણસી), ગઢવાલ હિમાલયમાં ઉત્તરકાશી, સહ્યાદ્રી, બેંગલુરુ, ઋષિ ખીણ, કલકત્તા અને કટકમાં સ્થાપવામાં આવ્યાં છે. આમાંની ઘણીબધી જગ્યાઓ અસાધારણ પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિથી સભર છે તથા કૃષ્ણમૂર્તિના બોધના પ્રકાશ હેઠળ પોતાની જાતના અભ્યાસ માટે અનુકૂળ છે.

આ કેન્દ્રો આખા વર્ષપર્યંત અનેક શાળાઓ, કૉલેજો અને જનસાધારણ સાથે કાર્યક્રમો અને સંવાદો થકી સંપર્કમાં રહે છે.
જો હું અભ્યાસ કેન્દ્રોમાં જાઉં, તો સર્વપ્રથમ હું શાંત થવા માગું, મારી સમસ્યાઓ ત્યાં ન લાવું, મારા ઘરગૃહસ્થીની સમસ્યાઓ, ધંધાકીય ચિંતાઓ વગેરે ત્યાં ન લાવું.

આપણે એમ કહીએ કે તમારા જેવો માણસ આ નવા અભ્યાસ કેન્દ્રમાં આવે, તમે આ જગ્યાએ આવવાની બધી તકલીફ ઉઠાવો, અને શરૂઆતના થોડા દિવસો તમે શાંત રહેવા માગતા હો. જો તમે સંવેદનશીલ હો, તો તમે પ્રત્યક્ષપણે અનુભવશો કે અહીં એવું કંઈક છે જે તમારા ઘર કરતાં વિશિષ્ટ છે, સંવાદ માટે બીજે ક્યાંય હોય તે કરતાં સંપૂર્ણપણે વિશિષ્ટ. ત્યાર પછી તમે અભ્યાસ શરૂ કરો છો, માત્ર તમે જ નહીં પણ અહીં રહેતાં બધાં જ લોકો અભ્યાસ કરે છે, અવલોકન કરે છે, પ્રશ્નો કરે છે. અને પોતાનાં સમગ્ર અસ્તિત્વથી ખરેખર સાંભળી રહેલા બધાં જ માણસો સ્વાભાવિકપણે જ ધાર્મિક વાતાવરણ સાધે છે.
જે. કૃષ્ણમૂર્તિ