કૃષ્ણમૂર્તિ મુંબઈમાં

ઓક્ટોબર ૧૯૪૭માં મળેલી આઝાદીના બે મહિના બાદ મુંબઈ (ત્યારનું બોમ્બે)ના કિનારે કૃષ્ણમૂર્તિએ નવા ભારતનો પ્રથમ સ્પર્શ કર્યો. તેઓ ત્યારે એક મુક્ત પરંતુ સંકટગ્રસ્ત ભારતમાં એક શિક્ષક, એક ઋષિ, એક દૃષ્ટા તરીકે આવ્યા હતા - તેજસ્વી, પ્રફુલ્લિત, જીવનની સમૃદ્ધિથી સભર, બિલકુલ વર્તમાનમાં સ્થિત અને છતાં પોતાની સત્યની ભીતરની કાલાતીત સૂક્ષ્મદૃષ્ટિમાં બિરાજમાન.

અને મુંબઈની જનતાએ પણ તે અવાજને ખરા દિલથી પ્રતિભાવ આપ્યો. હજારો લોકો જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સનાં મેદાનોને ભરી દેતા, જ્યાં કૃષ્ણમૂર્તિ દર વર્ષે ત્રણ શનિ રવિ બોલતા. એવી ગણના થયેલી છે કે વિશ્વનાં બધાં શહેરોમાં સૌથી વિશાળ જનમેદની મુંબઈ શહેરમાં ભેગી થતી હતી. ત્યાં સૌ આવતાં - બધા ધર્મોનાં, જાતિઓનાં, પંથોનાં, સંપ્રદાયોનાં પુરુષો અને સ્ત્રીઓ, ગરીબો અને અમીરો, સુપ્રસિદ્ધ લોકો અને સામાન્ય નાગરિકો, વિદ્વાનો અને સાધારણ માણસો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, રાજનીતિજ્ઞો - સત્તાધીશો, શક્તિશાળી વ્યક્તિઓ અને શાંત માણસો, અને કૃષ્ણમૂર્તિના વિચારોથી બીનવાકેફ લોકો પણ. અને આ બધા લોકો તન્મયતાથી, એકાગ્રતાથી તે અવાજને સાંભળતા જે અસાધારણ કરુણામય વાણીથી માનવ અસ્તિત્વની સમગ્રતા વિષે - તેનાં આનંદો અને ખુશીઓ વિષે, તેનાં જીવનસંગ્રામો અને સંઘર્ષો વિષે, તેમ જ તેનાં દુઃખ, પ્રેમ અને મૃત્યુ વિષે બોલતો હતો. કૃષ્ણમૂર્તિ એકીસાથે દૃઢપણે વાત કરનારા અને એકધારી વાત કરનારા હતા, તેમ જ પ્રેમાળ અને કરુણામય હતા. ત્યાંના દરેક માણસને એમ લાગતું કે કૃષ્ણમૂર્તિ તેની જ નિજી સમસ્યાને સીધેસીધી સંબોધિત કરે છે. તે સ્પષ્ટ હતું કે તેઓ બધાં આ સત્યના અવાજથી ઊંડો હૃદયસ્પર્શ અનુભવતાં હતાં.
મુંબઈમાં કૃષ્ણમૂર્તિએ શરૂઆતનાં વર્ષોમાં ૧૯૨૪ થી ૧૯૩૮ દરમ્યાન પ્રવચનો આપ્યા. ૧૯૪૭માં આઝાદી પછી તેઓનું આ શહેર સાથેનો સંબંધ ૧૯૮૫ સુધી લગભગ સતત ચાલુ રહ્યો.

જાહેર પ્રવચનો આપવા ઉપરાંત, તેમણે મિત્રોનાં નાનાં જૂથો સાથે સંવાદોની એક શ્રેણી યોજી હતી. તેમણે ૧૯૬૯૮માં મુંબઈ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને તથા ૧૯૮૪માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીનાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

કૃષ્ણમૂર્તિએ એ દસકાઓ દરમ્યાન મુંબઈને ‘દરિયાકિનારે વસેલા અતિશય પવનવાળા’ શહેરમાંથી ‘અતિશય ભીડભાડવાળા, ઘોંઘાટિયા, પ્રદુષિત મહાનગર’માં ભયજનક ઝડપે વિકસતા જોયું, અને તેઓએ પોતાનાં ઘણાં પ્રવચનોમાં આ બાબતને સંબોધિત કરી. જો કે, તેમને માટે આ સામાજિક સમસ્યાઓ દરેક માનવના મનની ભીતર રહેલા ઊંડા સંઘર્ષનાં જ લક્ષણો હતી.

કૃષ્ણમૂર્તિ મુંબઈ શહેર સાથે જે ઊંડી આત્મીયતા અનુભવતા તેને ધ્યાનમાં લઈને કે.એફ.આઈ સંસ્થાએ ૧૯૮૭ના વર્ષમાં બોમ્બે એક્ઝીક્યુટીવ કમિટીની સ્થાપના કરી.