જે. કૃષ્ણમૂર્તિ – પરિચય

દરેક વ્યક્તિ મનોવૈજ્ઞાનિક રીતે માનવજાત જ છે, તે ફક્ત પોતાનું જ નહીં, આખી માનવજાતિનું પ્રતિનિધિત્વ કરે છે. સમસ્ત માનવજાતનો તે પ્રાણ છે. આ વાસ્તવિકતા ઉપર વિવિધ સંસ્કૃતિઓએ એવો ભ્રમ ઠોકી બેસાડયો છે કે દરેક માણસ વિશિષ્ટ છે. આ ભ્રમમાં માનવી સૈકાઓથી જકડાયેલલો છે, અને આ ભ્રમ જ વાસ્તવિકતા બની ગયો છે. જો કોઈ વ્યક્તિ પોતાના ચિત્તની રચનાનું ઝીણવટથી અવલોકન કરે, તો તેને ખબર પડશે કે જયારે તે દુઃખ સહન કરે છે, ત્યારે સમગ્ર માનવજાત પણ ઓછેવત્તે અંશે દુઃખ સહન કરે છે. જો તમને એકલતાની અનુભૂતિ થતી હોય તો સમગ્ર માનવજાતને એકલતા મળે છે. વ્યથા, દ્વેષ, ઈર્ષ્યા, ભયને સૌ કોઈ સમજે છે. તેથી માનસિક રીતે, આંતરિક રીતે, દરેક માનવ અન્ય માનવ જેવો જ છે. શારીરિક રીતે, જૈવિક રીતે વિશિષ્ટતાઓ હોય. કોઈ વધારે ઊંચું હોય તો કોઈ ઓછું, પણ મૂળભૂત રીતે દરેક માણસ સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ છે. એટલે મનોવૈજ્ઞાનિક રીતે તમે વિશ્વ છો; તમે સમગ્ર માનવજાત પ્રત્યે જવાબદાર છો, એક અલગ વ્યક્તિ તરીકેમાત્ર પોતાના પ્રત્યે જ નહીં, એ તો એક માનસિક ભ્રમ છે. સમગ્ર માનવવંશના પ્રતિનિધિ તરીકે, તમારો પ્રતિભાવ સંપૂર્ણ હોય, આંશિક નહીં. અહીં જવાબદારીનો અર્થ બિલકુલ જુદો છે. માણસે આ જવાબદારીની કળા શીખવી રહી. જો માણસ એ હકીકતનું પૂરેપૂરું મહત્વ સ્પષ્ટપણે સમજે કે તે પોતે જ વિશ્વ છે, તો જવાબદારી બની જાય છે અતિપ્રબળ પ્રેમ.
જે. કૃષ્ણમૂર્તિ
  • કૃષ્ણમૂર્તિ (૧૮૯૫-૧૯૮૬)કે જેમનું જીવન તથા બોધ ૨૧મી સદીના ઘણા મોટા ભાગમાં ફેલાયેલું હતું, તેમની ગણના ઘણા લોકો અર્વાચીન સમયમાં માનવચેતના ઉપર સૌથી વધુ ગહન અસર કરનાર તરીકે કરે છે.
  • તેઓ ઋષિ, તત્ત્વજ્ઞાની અને વિચારક હતા, સમસ્ત માનવજાત સાથે ઊંડી નિસબત ધરાવતા હતા, અને પોતાને કોઈ રાષ્ટ્ર કે ધર્મ સાથે ન જોડાયેલા ગણતા હતા. માનવીના મનમાં બંધાયેલા સંસ્કારો પ્રત્યે અને મુક્તિની સંભાવના પ્રત્યે તેને જાગૃત કરવા તેમણેપોતાનું જીવનસમર્પિત કર્યું હતું.
  • કૃષ્ણમૂર્તિ ૯૦ વર્ષની વય સુધી આખી દુનિયામાં ફર્યા, અનેક સમુદાયો અને દર્શકો સાથે વાતચીત કરી, યુવાનો અને બાળકો સાથે વાતો કરી, કોઈ અધિકારી તરીકે નહીં, પરંતુ એક મિત્ર તરીકે, સત્યના પ્રેમી તરીકે.તેઓએ એવી બાબતો વિષે વાત કરી જે આપણાં બધાંના રોજબરોજનાં જીવન સાથે નિસબત ધરાવે છે; આધુનિક સમાજમાં જીવવાની સમસ્યાઓ વિષે, માણસની સલામતી માટેની શોધ વિષે, અને માણસોને તેમનાં હિંસા, ભય અને દુઃખના આંતરિક બોજાઓથી પોતાની જાતે મુક્ત થવાની જરૂરિયાત વિષે વાત કરી.
  • કૃષ્ણમૂર્તિએ વિશ્વના મહાન વૈજ્ઞાનિકો સાથે, વિજ્ઞાનના ક્ષેત્રની નવીનતમ સીમાઓ ઉપર કાર્યરત વ્યક્તિઓ સાથે, માનસચિકિત્સકો, વિચારકો, ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ, વિદ્યાર્થીઓ અને બાળકો સાથે સંવાદો કર્યા.
  • તેમણે શ્રોતાઓને તેમનાં પોતાનાં મનની સૂક્ષ્મ પ્રક્રિયાઓ વિષે તપાસ કરવા આગ્રહ કર્યોઅને સઘળી સમસ્યાઓના મૂળ વિષે, માનવમનના સ્વભાવ વિષે તેમ જ જીવનના પોતાના મહત્વ વિષે મહત્ત્વના પ્રશ્નો પૂછ્યા. તેમણે ઊંડા ધ્યાનયુક્ત અને ધાર્મિક ગુણને આપણાં રોજિંદા જીવનમાં લાવવાની જરૂરિયાત તરફ નિર્દેશ કર્યો.