પ્રકાશનો

કૃષ્ણમૂર્તિનો વારસો છે તેઓની કૃતિઓનો વિશાળ સંગ્રહ, જેમાં સાઠ વર્ષોના ગાળામાં વિસ્તરેલાં પ્રવચનો, સંવાદો અને લેખોનો સમાવેશ થાય છે.

કૃષ્ણમૂર્તિએ પોતાની છ દસકાની કારકિર્દી દરમ્યાન દુનિયામાં દૂરસુદૂરનાં સ્થળોની મુસાફરી કરીને લોકોને વિચારવા માટે પ્રેરે તેવાં પ્રવચનો આપ્યાં, પશ્ચિમના મહાન વૈજ્ઞાનિકો તથા બુદ્ધિજીવીઓ સાથે તેમ જ પૂર્વના વિદ્વાનો તથા ધર્મગુરુઓ સાથે સંવાદો યોજ્યા. શરૂમાં આ બધાંનો રેકોર્ડ શબ્દશ: નોંધ તરીકે અને પછીનાં વર્ષોમાં ઑડિઓ અને વિડિઓ ટેઇપ્સ ઉપર રાખવામાં આવતો. મોટાભાગના લોકો કૃષ્ણમૂર્તિના બોધ વિષે પુસ્તકોના માધ્યમથી જાણતા થયા છે.

કે.એફ.આઈ.ના પ્રાદેશિક પ્રકાશન વિભાગો પુસ્તકો બહાર પાડે છે જેમાં જાહેર પ્રવચનો, પ્રશ્નોત્તરી સેશનો, લખાણો, પત્રો તથા નોંધપોથીઓ, કૃતિઓનાં સંગ્રહો અને જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. વર્ષમાં ત્રણ વાર પત્રિકા પ્રકાશિત કરવામાં આવે છે જે સભ્યોને તથા સંસ્થાઓને મોકલવામાં આવે છે. તે કૃષ્ણમૂર્તિની અપ્રકાશિત સામગ્રીને બહાર પાડે છે અને સભ્યોને સંસ્થાની પ્રવૃત્તિઓ વિષે માહિતી પણ આપે છે.

સંસ્થાનું અનુવાદ એકમ અંગ્રેજી પુસ્તકોનો ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવા માટે વિદ્વાનોને આમંત્રે છે. અત્યારે હિન્દી, બંગાળી, મરાઠી, ગુજરાતી, ઓડિયા, મલયાલમ, કન્નડ, તેલુગુ, તમિળ, ઉર્દુ અને પંજાબીમાં અનુવાદો ઉપલબ્ધ છે. વારાણસી ખાતેનું અભ્યાસ કેન્દ્ર હિન્દીમાં 'પરિસંવાદ' નામનું ત્રિમાસિક બહાર પાડેછે.સમાચારપત્રો હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ, ઓડિયા, કન્નડ, મરાઠી અને ગુજરાતી ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે.
કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો અને સંવાદોનાં ઑડિઓ અને વિડિઓ રેકોર્ડિંગ્ઝ તેમના કાર્યના છેલ્લા બે દસકાઓને આવરી લે છે. આ સંગ્રહમાં તેમના જીવનકાળ દરમ્યાન તેમ જ ત્યાર બાદ બનેલાં દસ્તાવેજી ચિત્રપટો પણ છે. કૃષ્ણમૂર્તિએ રજૂ કરેલા વિભિન્ન વિષયો ઉપરના સૌથી શાશ્વત પ્રશ્નોના સેટ વેચાણ માટે ઉપલબ્ધ છે, અને એક ‘સામાન્ય શીર્ષક શૃંખલા’ વેચાણ માટે ઉપલબ્ધ છે જેમાં જાહેર પ્રવચનો, પ્રશ્નોત્તરી સેશનો તથા શિક્ષકો સાથે, વિદ્યાર્થીઓ સાથે, વૈજ્ઞાનિકો સાથે અને વિદ્વાનો સાથેના સંવાદોનો સમાવેશ થાય છે. વિડિઓ રેકોર્ડિંગ્ઝનાં સબટાઈટલ્સ અને ડબિંગ કરવાનું કામ હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિળ, તેલુગુ, કન્નડ અને ઓડિયા ભાષાઓમાં કરવામાં આવી રહ્યું છે.

કૃષ્ણમૂર્તિની કૃતિઓથી પોતાને પરિચિત કરવા માટે નીચે જણાવેલાં પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકો સાથે શરૂઆત કરવી:

જ્ઞાત વિસર્જન (Freedom from the Known)
મુક્ત જીવન (The First and Last Freedom)
હિંસાની પેલે પાર (Beyond Violence)
જીવનમિમાંસા – ખંડ  ૧, ૨ અને ૩ (Commentaries on Living I,II & III)
શિક્ષણ સંવાદ (Krishnamurti on Education)
તમેજ વિશ્વ છો (You Are the World)