‘શિક્ષક હોવું એટલે શું?’ એક કાર્યશાળાનું આયોજન, ૨૦૧૭

કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇંડિયા, મુંબઇ વતી, બૉમ્બે કેમ્બ્રિજ સ્કૂલના સહયોગથી ‘શિક્ષક હોવું એટલે શું?’ એક કાર્યશાળાનું આયોજન

કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇંડિયા, મુંબઇ વતી, બૉમ્બે કેમ્બ્રિજ સ્કૂલના સહયોગથી તારીખ ૭,૮,૯ જુલાઇ, ૨૦૧૭ આ ત્રણ દિવસો દરમ્યાન અંધેરીમાં માધ્યમિક શિક્ષકો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય હતો, ‘શિક્ષક હોવું એટલે શું?’ અને નિમિત્ત હતું આ શાળાના રૌપ્યમહોત્સવના વર્ષનું. મુંબઇ અને આસપાસના ઉપનગરોમાંથી લગભગ ૧૧૦ જેટલા શિક્ષકો આ કાર્યશાળામાં સહભાગી થયાં હતાં.

આ કાર્યશાળામાં માર્ગદર્શન આપવા માટે ચેનાઇથી કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની શાળા ‘ધ સ્કૂલ’ ના પ્રાચાર્યા શ્રીમતી જયશ્રી નંબિયાર, તેમ જ શિક્ષકો શ્રીમતી બીના શીવરામ અને અરવિંદ રંગનાથન આવ્યાં હતાં.

પોતાના સ્વાગત ભાષણમાં બૉમ્બે કેમ્બ્રિજ શાળાના અધ્યક્ષશ્રી વિક્રમ પટેલે કાર્યશાળાના ઉદ્દેશ અને રૂપરેખાને સમજવતાં કહ્યું કે કૃષ્ણમૂર્તિશાળાઓની વિશિષ્ટતા, કૃષ્ણમૂર્તિના શિક્ષણ વિષયક વિચારો અનુસાર ચાલનારી આ શાળાઓમાં અપાતું શિક્ષણ, શિક્ષણની વિવિધ પધ્ધતિઓ અને શિક્ષકો અને બાળકો-વાલીઓ વચ્ચે કેવો સંબંધ હોવો જોઇએ, આ સર્વનું માર્ગદર્શન બધી જ શાળાઓના શિક્ષકોને થાય એ જ આ કાર્યશાળાના આયોજન પાછળનો મુખ્ય હેતુ છે. આ કાર્યશાળામાંથી કૃષ્ણમૂર્તિની શિક્ષણ પધ્ધતિ વિષયક ચર્ચા, પ્રશ્નોત્તર અને પરસ્પર સંવાદ ઉઘડી આવે એવી અપેક્ષા તેમણે દર્શાવી.

સૌ પ્રથમ, કાર્યશાળાની શરૂઆત કરતાં શ્રીમતી જયશ્રીએ કહ્યું કે અત્યારના પડકારજનક સમયની બધા જ શિક્ષકોને જાણ હોવાથી શિક્ષકોએ પોતાના પ્રત્યે અને વિદ્યાર્થીઓના પરસ્પર સંબંધો પ્રત્યે નજર કરીને એની ઉપર થોડો સમય આપવો જરૂરી છે. વિશ્વમાં આવેલ માહિતી અને તંત્રજ્ઞાનના મહાપૂરને કારણે વિદ્યાર્થીઓ પોતાના સ્વત્વને જુએ અને જાણે એ માટે શું કરવું પડે એનું ભાન આજે શિક્ષકોએ જ રાખવું પડે. તેમણે કૃષ્ણમૂર્તિ શાળાનું ખરું રહસ્ય સમજાવતાં કહ્યું કે અહીં બાળકોને પ્રશ્નો પૂછતાં કરવામાં આવે છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતાનો નાતો અને શિક્ષકોનો ડર ન હોય એવા સાથ સહકારના વાતાવરણમાં તેમની સાથે સંવાદ સધાતો હોય છે.

શ્રી અરવિંદે આગળ વધારતાં કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે સમાન તાંતણો કયો હોય તે શિક્ષકે શોધી કાઢવું જોઇએ. વિદ્યાર્થીને શું ગમે છે, તેનો ઝોક કઇ તરફ છે, તેનું કુદરતી ખેંચાણ શેના તરફ છે, એ નિરીક્ષણ કરીને, આજના વાતાવરણમાં યશની પાછળ બધી શક્તિ વેડફતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષકોએ માર્ગદર્શન આપવું જોઇએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે અને શિક્ષણ વિષયક જે ધારણાઓ આજે છે તેની અસર પર પણ ધ્યાન આપવું જોઇએ.

શ્રીમતી બીનાએ આ વિષય પર બોલતાં કહ્યું કે શિક્ષકોએ આ વ્યવસાય મનથી પસંદ કરેલો હોવો જોઇએ, અને તો જ રસ લઇને શીખવવા વિવિધ પ્રયોગો પણ કરી શકશે. વિદ્યાર્થીઓમાં બદલાવ લાવવાના પ્રયોગોની સાથે પોતાનામાં પણ બદલાવ લાવવાની તૈયારી શિક્ષકમાં હોવી જોઇએ, પોતાના અંતર્મન સાથે પણ સંવાદ સાધવો જોઇએ.

શ્રીમતી જોશીએ એ પણ સમજાવ્યું કે વિદ્યાર્થી, વાલી, શિક્ષક, શાળા, મહાવિદ્યાલય અને સમાજ એ બધાની સામે આજનું શિક્ષણ એક પડકાર ઊભો કરે છે. એનો સામનો આપણે કઇ રીતે કરી શકીશું એ મોટો પ્રશ્ન છે. વિદ્યાર્થી ફક્ત કારકીર્દિની પાછળ ન પડે પણ એક સારા મનુષ્યનું નિર્માણ કેમ થાય એ જોવું ખૂબ મહત્ત્વનું છે.

આ પછી શિક્ષકોની જોડે અર્થપૂર્ણ પ્રશ્નોત્તરી થઇ જેમાં શિક્ષકોએ પોતપોતાની શાળાઓમાં ઊભી થતી વિવિધ શૈક્ષણિક બાબતોને કેવી રીતે ઉકેલ કઢાય છે એની ચર્ચા કરી. તે પછી ‘યોગ્ય શિક્ષણ એટલે શું’ એ વિષય પર કૃષ્ણમૂર્તિના વ્યાખ્યાનનો વિડીયો બતાવવામાં આવ્યો.

કાર્યશાળાના બીજા દિવસની શરૂઆતમાં શિક્ષણમાં કૃષ્ણમૂર્તિની જીવન દૃષ્ટિનો સુમેળ કરવાને લગતાં થઇ રહેલાં વિવિધ પ્રયોગો પર ચર્ચા કરવામાં આવી. શિક્ષણના વિવિધ અંગો વિશે પણ ઊંડું ચિંતન કરવામાં આવ્યું.

શિક્ષણ આપણી સમક્ષ વિવિધ પડકારો ઊભા કરે છે. શાળામાં સામુદાયિક સ્તરે શિક્ષકોને ઘણા વર્ષોનો અનુભવ હોય છે. પણ આ ઊભા થતાં પડકારોનો તત્કાળ ઉપાય ન શોધતાં, અને પડકારને સમસ્યારૂપ ન ગણતાં, કેવી રીતે આ પડકારને જોઇ શકાય? શિક્ષકો સાથે વાતચીત-સંવાદ કરીને, તેમની સમક્ષ ઊભા થયેલા પડકાર તરફ સર્જનાત્મક દૃષ્ટિકોણથી જોવું, પડકારના મૂળ સુધી જઇ, ઊંડાણથી સમજવા માટે તેમને ઉત્તેજન આપવું જોઇએ એમ શ્રીમતી નંબિયારે કહ્યું. નિરીક્ષણ કરતા થવું, સંવાદ સાધી શકવો, મુક્તપણે વિચારણા કરી શકવી એ જ શિક્ષણનો મતલબ છે. આ મહત્ત્વના મુદ્દા તરફ તેમણે ધ્યાન દોર્ય઼ું.

તે પછી કેટલીક વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મો અને ટી.વી. સમાચારનો થોડો ભાગ બતાવવામાં આવ્યો. આપણી આજુબાજુ ચાલી રહેલ હિંસાચાર, સ્ત્રીઓ ઉપર થઇ રહેલ અત્યાચાર, વિસ્થાપિતોની સમસ્યા, અતિશય દરિદ્રતામાં પોતાનું જીવન વ્યતિત કરી રહેલ કામગારોની પીડા, એ અવસ્થામાં પણ પરિસ્થિતિને માત કરતાં આપણાં બાળકોની ભાવિ શિક્ષણ તરફની તીવ્ર આશા અને આકાંક્ષા વગેરે વિષયો પર આધારિત ફિલ્મો હતી. શ્રી અરવિંદે આવા વિષયો શાળામાં સામેલ કરવા જોઇએ કે? આવા દૃશ્યો બાળકોને બતાવવા જોઇએ કે?, વગેરે સવાલો પર ચર્ચા કરી અને બાળકોમાં સંવેદનશીલતા કેવી રીતે જાગૃત કરી શકાય એની વાત કરતાં જણાવ્યું કે, આ બાબતોમાં બાળકોની પ્રતિક્રિયા, પ્રતિસાદ સાવ જ સ્વયંસ્ફૂર્ત હોય છે અને ઘણીવાર ખૂબ જ ઉત્કટ હોય છે.

શિક્ષકોએ પોતાનો મત ન પ્રદર્શિત કરતાં, ફક્ત વાસ્તવિકતા બાળકો સમક્ષ મૂકી આપવી, તેમની સાથે મળીને તે વિષય પર વધારે માહિતી ભેગી કરવી, એટલે કે એકંદરે પ્રતિક્રિયાની ગતિ ઓછી કરવી અને ઊંડાણપૂર્વક તે ઘટના પાછળના કારણોની તપાસ કરવી, એ વિશે બોલતાં શ્રીમતી જયશ્રીએ પ્રશ્ન ઊભો કર્યો કે શું આપણે આવો કોઇ મુદ્દો આપણી સમક્ષ ઊભો થાય એની રાહ જોઇ પછી જ એનો ઉપાય શોધવો જોઇએ કે પછી આવી બાબતો તરફ બાળકોમાં પહેલેથી જ લાગણી જાગૃત થાય એ માટેના પ્રયત્ન કરવા જોઇએ?

કેટલીક લડાઇની વિડિયો ગેમ્સ અને પ્રત્યક્ષ લડાઇના કેટલાક ફોટા બતાવીને વિડિયો ગેમ્સ ઉપર ચર્ચા કરવામાં આવી. આવી રમતો દ્વારા બાળકોમાં લડતના આયોજનની આવડત આવે છે એવી દલીલ કરવામાં આવે છે. પરંતુ આવી રમતોથી બાળકોને હાથાપાઇ, હત્યા, વિધ્વંશ, વિભાજનના વિચારો દ્વારા મનોરંજન મળી રહે છે અને બાળકોની લાગણી બુઠ્ઠી બનતી જાય છે. પરિણામે, આગળ મેળવેલ જ્ઞાનનો ઉપયોગ હિંસાને ઉત્તેજે એવા કાર્યોમાં કરાય એની શકયતા રહેલી છે. બાળકોના બાળમનમાં અનેક વાતોનો ઉહાપોહ ચાલતો હોય છે, તેમની સાથે આપણે સંવાદ સાધીને તેમને સર્વ દૃષ્ટિકોણથી વિચારતાં કરવા જોઇએ તો તેમના કોઇ વિચારો કોઇ બંધ ચોકઠામાં બંધાઇ ન જાય, તે તરફ શ્રીમતી જયશ્રીએ ધ્યાન દોર્ય઼ું.

શાળામાં ચાલતાં કેટલાંક શિક્ષણેતર વિષયો બાબત ચર્ચા કરતાં કેટલીક ફિલ્મો બતાવવામાં આવી. વિદ્યાર્થીઓએ જ્યારે શહેરની ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી ત્યારે તેમના ઘરોમાંની સ્વચ્છતા જોઇને તેઓ આશ્ચર્ય ચકિત થઇ ગયાં હતાં અને અહીંનો મોટાભાગનો કચરો એ સમાજમાંનાં ઉચ્ચ વર્ગના ઉપયોગમાં આવતી વસ્તુઓની વેસ્ટનો હતો એ તેમને દેખાઇ આવ્યું.

નાના મોટા પ્રવાસોનું આયોજન કરીને બાંધકામ ચાલુ હોય તેવા વિસ્તારના કામગારોનું જીવન, ગ્રામીણ ભાગો, ખેતી બાગાયતીનો અભ્યાસ, ગામડાંના રહેવાસી પાસે જે હોય તે અન્ન વિદ્યાર્થીઓ સાથે વહેંચી આપવાની તેમની વૃત્તિ, આવા અનેકવિધ અનુભવો બાળકોની જીવનદૃષ્ટિને વિશાળ બનાવે છે. પ્રવાસ દરમ્યાન રેલ્વેના સાદા ડબ્બામાં મુસાફરી, શાળામાં રહેવું, વગેરેને લીધે બાળકોને જીવનના એક અલગ જ પાસાંનો અનુભવ મળે છે, જે તેમના વાલીઓ સાથેના સુખસગવડોથી ભરપૂર પ્રવાસમાં નથી મળી શકતો.

આ શાળાઓમાં એકથી વધારે ધોરણમાંનાં બાળકોને એક સાથે બેસાડીને વિવિધ વિષયોના વર્ગ લેવામાં આવે છે. આની ઉપર ફિલ્મ પણ બતાવવામાં આવી. કાર્યશાળામાં ભાગ લીધેલ શિક્ષકોને આ બાબતનું ખૂબ જ અચરજ થયું અને એની ઉપર સવિસ્તાર ચર્ચા કરવામાં આવી. શ્રીમતી બીનાએ કહ્યું કે આવા વર્ગોમાં સહયોગી શિક્ષણની ભાવના હોય છે, મોટા વર્ગોના બાળકોમાં નાના બાળકો તરફ જવાબદારીની ભાવના થાય છે, નાના વર્ગોના બાળકો મોટા વર્ગોના બાળકો પાસેથી જે તે વિષયો શીખી પણ શકે છે. અહીં શિક્ષકે દરેક બાળક સાથે વાતચીત કરવી, સંવાદ સાધવો જરૂરી બને છે. કેટલાંક વિષયોની પ્રસ્તાવના એક સાથે આપી અને પછી અલગ અલગ ધોરણો પ્રમાણે આ વિષયો આગળ વધારાય છે. આ પધ્ધતિમાં બાળકો વચ્ચે સ્પર્ધા અને તુલનાની ભાવના પોષવાની કોઇ શકયતા નથી હોતી. નક્કી કરેલ માપપટ્ટી પ્રમાણે વિદ્યાર્થીના જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં ન આવવાથી બાળકોમાં ડરની ભાવના પણ નથી રહેતી.

વિવિધ કળાઓ, સાહસિક પ્રવૃત્તિઓ, રમતગમત વગેરેમાંથી એકત્ર થઇને પડકારોને સ્વીકારવાનું શિક્ષણ બાળકોને મળે છે. આંતરશાળાકીય સ્પર્ધાત્મક રમતોમાં આ શાળાઓ ભાગ ન લેતી હોવાને કારણે અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ થાય એ હેતુથી વાર્ષિક નાટ્યમહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અન્ય શાળાઓમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવાની ખૂબ માગ હોય છે. વિદ્યાર્થીઓએ પોતે અનુભવેલા પ્રસંગો ઉપર આધારિત અને સામાજિક લાગણીઓને ચેતનવંતી કરનારા નાટકો પણ બાળકો રજૂ કરે છે.

એકંદરે, સર્વ જીવસૃષ્ટિ તરફ આદરની ભાવના ઉદ્ભવે, તેમાંના સૌંદર્ય અને શાંતિ અનુભવાય, ‘સ્વ’થી અલગ થઇ વિચાર કરતા થવાય, પ્રશ્નો ઉદ્ભવે, આ બધામાંથી મળનારા શિક્ષણની એક આગવી જ ગુણવત્તા હોય છે. અહીં કશાયના તૈયાર ઉત્તરો નથી હોતા, સતત શોધ ચાલુ જ હોય છે.

બપોરના સત્રમાં ત્રણ અલગ અલગ જૂથોમાં થયેલ જૂથ ચર્ચામાં શીખવવું, ડર, ગુસ્સો, અરસપરસ સંબંધ, એકાદ વિષયનો ઉત્કટતાથી અભ્યાસ કરવો, શાંત રહીને બોલનારને સાંભળવાની કળા વગેર વિષયો પર વિચારોની વિસ્તૃત લેવડદેવડ થઇ.

કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતાં શ્રીમતી જયશ્રી નંબિયારે કહ્યું કે ‘આપણે શિક્ષક કેમ છીએ’ એ બાબતનું આત્મનિરીક્ષણ કરતાં અન્ય અનેક બાબતો સાવ ક્ષુલ્લક લાગવા માંડી છે. ભાગ લેનાર શિક્ષકોએ એવો અભિપ્રાય આપ્યો કે ‘શિક્ષણ પ્રત્યે જોવાનો એક અલગ જ દૃષ્ટિકોણ આપણને મળ્યો છે.’ બોમ્બે કેમ્બ્રિજ ગુરુકુળ શાળા સમૂહના વિકાસ પ્રમુખ શ્રીમતી સવિતાએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો અને એવી આશા વ્યક્ત કરી કે કાર્યશાળામાં સહભાગી થનાર દરેક શિક્ષકને એક અલગ જ અંતઃપ્રેરણા મળી હશે.

9 મી જુલાઇના ખાસ બોમ્બે કેમ્બ્રિજ સમૂહની શાળાઓના શિક્ષકો માટે એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં અનેક વર્ષ શિક્ષકોને પ્રશિક્ષણ આપવાના અનુભવી અને કૃષ્ણમૂર્તિની જીવનદૃષ્ટિના અભ્યાસક એવા શ્રીમતી વાસંતી પડતેએ ગોવામાં એક શાળામાં કૃષ્ણમૂર્તિના વિચારોને અનુરૂપ શાળામાં બદલાવ કેવી રીતે લાવી શકયા હતા, કેવી રીતે અનેક બાબતોના ઉકેલ કાઢયાં હતાં, તે વિશે સવિસ્તાર માહિતી આપી. અહીં તેમના જ શબ્દોમાં સંક્ષિપ્તપણે મૂક્યું છે.

કૃષ્ણમૂર્તિની શાળાઓની મુલાકાત લીધા બાદ અને ‘માનવતા’ નિર્માણ કરવા માટે તે વિચારોનું મહત્ત્વ સમજાયા બાદ સામાન્ય શાળાના બાળકો આનાથી વંચિત રહે છે એ તીવ્રપણે અનુભવાયું. કૃષ્ણમૂર્તિ શાળાઓમાં સમજાયું કે નિર્ભય વાતાવરણમાં બાળકો બરાબર શીખી શકે છે, બાળપણના નિર્દોષ આનંદને માણતાં માણતાં મોટાં થઇ શકે છે.

પરિસ્થિતિમાંથી જ એક તક મળી અને સાથે જ એક પડકાર પણ! એક અંગ્રેજી પ્રાયમરી શાળામાં સલાહકાર થવા માટેનું આમંત્રણ મળ્યું. શાળા એટલે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, મેનેજમેન્ટ, અન્ય કર્મચારીગણ, તેમ જ અભ્યાસક્રમ વગેરે અનેક બાબતો. એટલે મકાન અને તેનું વાતાવરણ પણ આવ્યું જ. આ સર્વ બાબતો માટે અલગ અલગ પ્રકારે પ્રતિક્રિયા આપવી, અલગ અલગ પ્રકારે ઉકેલ કાઢવો એ આ કામનો એક ભાગ હતો.

1. મેનેજમેન્ટ પાસેથી સંપૂર્ણ સ્વતંત્રતા અને તેમનો વિશ્વાસ હતો. તેમના ધ્યેયને ધ્યાનમાં રાખીને જ આપેલ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવામાં આવ્યો.
2. ‘વાલી’ એ એક મુશ્કેલ પડકાર હતો. પણ બાળકોનું ભવિષ્ય અને તેમનું સારું ભવિષ્ય એ માટે બધાં જ એકમત હતાં. ‘સારાપણું’ની બદલતી વ્યાખ્યા પર ભાર આપીને વાલીઓ પાસેથી આ કાર્ય માટે પીઠબળ મેળવવાનો પ્રયત્ન હતો. તેમને દિલાસો એ હતો કે બાળકોના શિક્ષણની સર્વ જવાબદારી શાળાની રહેશે. ઘરકામ બંધ કરવામાં આવ્યું. બાળકો પર તણાવ ઓછો કરવાના પ્રયાસમાં વાલીઓ પરનો બોજો પણ ઘટયો. બાળકોની ભાવનાઓના વિકાસમાં તેમનો સહકાર અપેક્ષિત અને જરૂરી છે એ બાબતે વાલી શિક્ષક મિટિંગોમાં (PTA) ચર્ચા કરવામાં આવતી.
3. જરૂરત પ્રમાણે શિક્ષકોને પ્રશિક્ષણ આપવામાં આવતું. શૈક્ષણિક વિષયો સાથે જ સામાજિક, વૈજ્ઞાનિક, રાજકીય પ્રશ્નો પર ચર્ચા, સારા પુસ્તકોનું સમૂહ વાંચન, અન્ય અલગ પ્રકારે ચાલતી શાળાઓની મુલાકાત અને અભ્યાસ, આ બધામાંથી તેમના વ્યક્તિત્વને ઘડવાનો પ્રયાસ હોય છે. ભયમુક્ત વાતાવરણમાં શીખવવા માટે તુલના, સ્પર્ધા, પરીક્ષા બંધ કરવામાં આવી. પણ તેને લીધે પરીક્ષા વગર બાળકમાં થતા વિકાસનું મૂલ્યમાપન કરવાનો એક મોટો પ્રશ્ન ઊભો રહે છે. આમ, આવા વિશાળ ક્ષેત્રને આવરી લેતું કાર્ય અનેક ઝીણી બાબતો સાથે યોજાવા લાગ્યો. તેના અમલ માટે શિક્ષકોની માનસિકતા બદલાવી જોઇએ. આ કાર્ય પાછળની દૃષ્ટિ અને મહત્ત્વ તેમને સમજાવવું જરૂરી છે. આ સમજણ તેમને આત્મસાત થવી જોઇએ. આ પ્રયોગ શિક્ષકોને જરૂરી લાગવો જોઇએ, તેમના પર લાદેલો ન લાગવો જોઇએ. અહીં વિદ્યાર્થીઓ માટે શિક્ષકોનો ઉપયોગ કરવો એવું નથી થઇ શકતું. શિક્ષકોને એક નિતાંત આનંદ મળે એવી માનસિકતા નિર્માણ થાય એ જવાબદારી આપણી હોય.

વિદ્યાર્થી મનમાં ડર ન રાખીને શીખે એ મહત્ત્વનું કેન્દ્રબિંદુ છે. તે માટે મુખ્ય તો સ્પર્ધા, તુલના વગેરેને સંપૂર્ણપણે છોડવી પડે. તો પણ બાળકોની પ્રગતિ થાય, બાળકો શીખે એ તો અપેક્ષા હોય જ. આ કાર્ય યશસ્વીપણે પાર પાડવું શક્ય છે જ એવું દેખાય છે. ઉલટું અનુભવ તો એવો છે કે ભય અને તણાવ ન હોવાને કારણે બાળકો મુક્ત વાતાવરણમાં આનંદથી, પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે પ્રગતિ કરી શકે છે. નાના બાળકોને મહત્ત્વકાંક્ષા નથી હોતી. તે, તો વાલીઓને હોય છે. તેમની જોડે સંવાદ કરવો અને બાળકોના હિતની પાછળ પડવું તે મહત્ત્વનું છે.

અભ્યાસક્રમમાં મોટો બદલાવ કરવો પડે જેથી શિક્ષકોને પણ આ કાર્યક્રમ સક્ષમતાથી પાર પાડવો શક્ય બને. શાળાના અન્ય કર્મચારી ગણને પણ આ બદલાવની જાણ કરાવી અને તેમની જોડે પણ નીકટતા સાધવી પડે.

શિક્ષક, વાલી, વિદ્યાર્થી બદલતાં જાય છે. આ શાળામાં છેલ્લા વીસ-બાવીસ વર્ષોથી આ પ્રયોગ ચાલુ છે. આમાંથી શું નીપજે છે તેની કોઇ ગણતરી નથી, તેવી અપેક્ષા પણ નથી. આ એક પ્રવાસ છે. જેમાં ઉત્કટતા છે, એક કસોટી છે અને આ પ્રવાસ મનુષ્ય માટે એક યોગ્ય દિશામાં થઇ રહ્યો છે.

શ્રીમતી વાસંતી પડતેની જોડે આ સંવાદ થવાથી આ શિક્ષણ દૃષ્ટિ કૃષ્ણમૂર્તિ શાળાઓની બહાર પણ લાવવી શકય છે એવા શિક્ષકોના વિશ્વાસને જોર મળ્યું. તે પશ્ચાત, આગળના દિવસોના કાર્યક્રમ અનુસાર ડોકયુમેન્ટ્રી અને ટી.વી. સમાચાર ઉપરના વિડિઓ અને શાળામાં ચાલી રહેલ પ્રયોગો વગેરેની ચર્ચા કરવામાં આવી, જૂથ ચર્ચા થઇ, અને કૃષ્ણમૂર્તિના ભાષણના થોડાક અંશો બતાવવામાં આવ્યા.

બૉમ્બે કેમ્બ્રિજ ગુરુકુલ સમૂહની શાળાઓમાં કૃષ્ણમૂર્તિની શિક્ષણ દૃષ્ટિના અનુષંગે ઘણાં કાર્યક્રમો થતાં હોવાને કારણે ત્યાંના શિક્ષકોને આ કાર્યશાળાને લીધે આવા કાર્ય પાછળની ગહન વિચારણા અને તેમાંનું તત્ત્વ સમજાયું હશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.