કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન મરાઠી સંમેલન, ૨૦૧૬

કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન દ્વારા કૃષ્ણમૂર્તિ અધ્યયન કેન્દ્ર, સહ્યાદ્રીમાં ૧૫ થી ૧૭ ઓકટોબર, ૨૦૧૬ દરમ્યાન મરાઠી સંમેલન ભરાયું હતું, જે માટે ચિંતન વિષય હતો, ‘જે. કૃષ્ણમૂર્તિના કેળવણી-વિચારો અને આજનું જગત’. આ સંમેલનમાં પ્રસિધ્ધ લેખક અને કેળવણીના ક્ષેત્રમાં કાર્યરત એવા શ્રી હેરંબ કુલકર્ણી, કૃષ્ણમૂર્તિના ડૉકટર શ્રી પરચુરે, સહયાદ્રી કેન્દ્રના ડાયરેકટર શ્રી શૈલેશ શિરાળી અને શ્રી વિનય દાભોળકરે કૃષ્ણમૂર્તિના કેળવણી વિષયક વિચારો અને તત્ત્વજ્ઞાનનું માર્ગદર્શન આપ્યું.

સંમેલનની શરૂઆતમાં જ આપણી આજની સામાજિક સ્થિતિ વિશે વાત થઇ. આજે જગતમાં પ્રસરેલા આતંકવાદ, ભ્રષ્ટાચાર, અસંવેદનશીલતા, લડાઇ, ભૂખમરો વગેરે માટે આપણી અસંવેદનશીલ સ્પર્ધાત્મક શિક્ષણ પધ્ધતિ જ જવાબદાર છે. આજે ‘વિચારતા કરવાં’ને બદલે ‘વિચાર ન કરવા દેવાનું’ શિક્ષણ અપાય છે. એક વિષયમાં તજજ્ઞ બનાવનારું આજનું શિક્ષણ સર્વાંગી વિકાસ કરવા માટે સક્ષમ નથી. વધારે ને વધારે ભોગોપભોગના સાધનોના ઉપયોગ માટે પ્રેરિત કરતી આજની અર્થવ્યવસ્થામાં વાલીઓને પણ એવું જ શિક્ષણ જોઇએ છે જેનાથી ભવિષ્યમાં સારો નોકરી ધંધો અને પૈસા મળી શકે.

શ્રી હેરંબ કુલકર્ણીએ આ વાતની વિસ્તૃત સમજણ આપતાં કહ્યું કે આપણી આસપાસ આવું હોવાં છતાં આજે પણ કૃષ્ણમૂર્તિના કેળવણી વિષયક વિચારોના આધારે રચાયેલી કૃષ્ણમૂર્તિની શાળાઓમાંથી બહાર આવેલા બાળકો આ બધાથી પરે હોય છે. આ શાળાઓમાં રમતાં રમતાં શિક્ષણ અપાય છે, સ્વામીત્વની ભાવનાથી જોજનો દૂર અહીં બંધુત્વની ભાવના કેળવાય છે, અહીં કોઇ સ્પર્ધા નથી હોતી, બધાં હળીમળીને આગળ વધે છે. સંવેદનશીલતા બાળકોના જીવનનો એક ભાગ બની જાય છે. અહીં બાળકો મુક્ત હોય છે, કોઇ બંધન નથી હોતું તેમની ઉપર, અને ત્યારે જ તેમનામાં કર્તવ્ય ભાવના ઊગી નીકળે છે. અને તેથી જ, જગતની ભીષણ સમસ્યાના ઉકેલ માટે કેળવણીમાં જ આમૂલ પરિવર્તન લાવવા ખુબ જરૂરી છે અને તે માટે કૃષ્ણમૂર્તિના કેળવણી વિષયક વિચારો/ તત્ત્વજ્ઞાન ખુબ જ ઉપયોગી છે. કેળવણીમાં આમૂલ પરિવર્તન કેવી રીતે આવી શકે, તે માટે કૃષ્ણમૂર્તિની શીખ, તત્ત્વજ્ઞાન અને વિચારોનું સમગ્રપણે આકલન કરવા માટે શું શું કરી શકાય, કેળવણીમાં પરિવર્તનની સાથે સાથે વાલીઓ અને શિક્ષકો જોડે સંવાદ કરીને તેમની વિચારધારામાં બદલાવ કેવી રીતે લાવી શકાય, અન્ય કયા કયા પગલાંઓ લેવાં જોઇએ અને કેવી રીતે લઇ શકાય તથા જગતને કેવી રીતે માર્ગદર્શન આપી શકાય એ વિષયક ચર્ચા પણ આ સંમેલનમાં કરવામાં આવી.